Kunjal Pradip Chhaya

હું,
કુંજલ પ્રદિપ છાયા.
છેલ્લા એક દાયકાથી ઈંન્ટરનેટની દુનિયામાં રાચું છું. યાહુ.. રેડિફ઼નો જમાનો જોયો, જાણ્યો, માણ્યો.. ગુગલ.. ઓરકુટ અને ફ઼ેસબુક.. સાથે જીવી ઉઠી.. ટ્વિટર, જી+ તો નફ઼ામા..
હવે, e-દુનિયામાં એક નવું સોપાન.. જે મારું પોતાનું અલાયદું ઘર. “કુંજકલરવ.વર્ડપ્રેસ.કોમ” !
હું કોણ છું? કેવી છું? કુંજલ “ધી લિટલ એંજલ” કેમ છું ? એ ક્યાં કોઈ રહસ્ય છે !
“I Don’t like to hold books in my Little Hands” એવું શાળાજીવન સુધી કહેનારી, ઈત્તરવાંચન ભાગ્યે જ વાંચી શકતી. એમાં શારીરિક નાદુરતી અને હું લોકોથી કઈંક જૂદી છું એવું માનસીક વલણ કારગર હતું. જન્મથી જ શારીરિક ખામીને, મારા પરિવારે ક્યારે ઉછેરમાં છતી થવા દીધી નથી. ઈન્ટટરનેટ જગતમાં ઘેર બેઠાં મારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વલણને વધુ ઓપ મળ્યો છે. પથારીવશ જીવનને બદલે અસામાન્ય પરિસ્થિતિમાં પણ સામાન્ય બાળકની રીતે જ ભણતર પૂર્ણ કર્યું. સ્કુલમાં પણ દરેક ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લેવો અને એ પણ નંબર તો આવે જ! ચિલાચાલુ રીતે કોલેજ નહીં, જેમાં રસ હતો એવો ફ઼ેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો. સંગીત, ચિત્રો દોરવાં, ગાવું, બોલવું, વાંચવું, ટી.વી જોવું એવી શોખની બાબતોને લઈને જ કઈં આગળ કાર્ય કરીશ અને એ પણ મારી શારીરિક મર્યાદામાં ઘરે જ રહીને એવું નક્કી કર્યું. શેરબજાર કે બેંકની પરીક્ષા આપવી એવા નંબરોની ગણતરીવાળા કોઈ ઉદાસીન કાર્યો નથી કરવા એવું વિચારતી; હોબી/આર્ટ ક્લાસીસ કરાવું છું. બાળકોને ભણાવું છું, વાર્તાઓ લખું છું. મનનાં વિચાર વિહારને શાબ્દિક ન્યાય આપવા પ્રયત્ન્શીલ રહું છું, પણ.. હજુ કઈંક ખૂટે છે, એવું લાગતું.
સાત વર્ષ પહેલાં ઓરકુટ કોમ્યુનિટિ- ગુજરાતિ હાસ્ય લેખનનાં વડિલ/નાનેરાં સૌ મિત્રો પરિવાર સમાં બની મને નિ:સંકોચ e-દુનિયામાં મુક્ત અને પુક્તરીતે રાચવા પ્રોત્સાહિત કરી. મનમાં સ્ફ઼ુરતા વિચારોને વર્ણાંત્મક, કાવ્યાત્મક કે વાર્તારૂપે કેમ લખાય એ શીખી. ક્યાં કેવું વાંચવું. શું ? કેવી રીતે લખવું અને એને કઈ રીતે રજુ કરવું એ પણ શીખી. કહેવાય છે કે લાંબાં ભેગો ટૂકો જાય; મરે નહીં પણ માંદો થાય.. પણ એ કહેવતને હું થોડી હકારાત્મક રીતે લઉં છું. રીડગુજરાતી, સબરસ જેવી બ્લોગ સાઈટ વાંચીને જ તો જાણે બે-ત્રણ વર્ષથી વાંચન ખામ પોષું છું. ગુજરાતી સાહિત્યનાં આગેવાન સમાં અનેક સાહિત્યગુણીજનોનાં બ્લોગને વાંચું છું. ફ઼ોલો કરું છું. ત્યારે એમ થતું કે મારો બ્લોગ બનાવાની મને ક્યારેક પેરણા મળશે? બનાવીશ તો લોકો વાંચશે?
e-દુનિયા જાણે મારું ગુરુકુળ અને કર્મભૂમિ બની ગયું. સદનસીબે (touchwood) એક દાયકામાં નરસા નહીં; સારા જ અનુભવો મળ્યા ! જેને પરિણામે આજે મારો બ્લોગ આપ સૌ સમક્ષ રજુ કરું છું. જેમાં મારો અવાજ-વિચારો, મારા શબ્દો કલ્રવ અને કલબલાટ દ્વારા વિશ્વવ્યાપી પહોંચતાં કરી શકીશ.. આપ સૌ મારી શબ્દવાચાને બિરદાવશો જ એવી ખાતરી સહ અર્પણ કરું છું.....
-|{©£@ કુંજલ ધિ લિટલ એંજલ

Find Me Online